વૃદ્ધાવસ્થા

વૃદ્ધાવસ્થા એટલે પોતે પોતાની જાતને મળવાની અવસ્થા. વૃદ્ધાવસ્થા એટલે કશાકની બાદબાકી નથી. વૃદ્ધાવસ્થા એટલે વૃદ્ધિ. મોટા થયા એટલે ઘરડા થયા, નકામા થયા, આવું ગણિત બેસાડી દેવાની જરૂર નથી. માત્ર જીવનની પ્રવૃત્તિઓને નવી દિશા આપવાની છે. જીવનનો અભિગમ બદલવાનો છે. જીવનની સંધ્યાનું આ બદલાતું ટાણું છે તો તે વખતે ફરી પાછો એક વખત જીવનનો દોર પોતાના હાથમાં લઈ કૃતસંકલ્પ થવાનુ છે કે, ‘મારા જીવનવૃક્ષની ડાળે ઊગેલા આ પીળા પાંદડાંમાં હું ગોકુળને અને પીતાંબરધારીને અવતારીશ.’ ટૂંકમાં વૃદ્ધાવસ્થા એટલે સ્વ અને સ્વાર્થ ના સંકુચિત નાનકડા વર્તુળ ના કેન્દ્રમાંથી દૂર પરીઘમાં જવાની પ્રક્રિયા. ‘અમારા’માંથી અને ‘મારા’માંથી ‘આપણું સર્વ’નું કરવાની અવસ્થા….

પ્રોફેસર દોલતભાઈ દેસાઈ કહે છે,

“હવે નવા થઈએ,

હાલ્યને બદલાઈ જઈએ,

ફૂલની જેમ ફોરમ ફેલાવી,

હાલ્યને મહેકી જઈએ.”

આ બધાની સાથે એક મહત્વની વાત સંકળાયેલી છે. એ છે સંબંધોની. જીવન દરમિયાન દૂરના-પાસેના, – ઘનિષ્ઠથી માંડી સાવ નજીવા એવા અનેક સંબંધો રચાય છે. આ બધા સંબંધ સ્નેહાળ, મધુર અને મીઠા બની રહે એ ખૂબ જરૂરી છે. અને એમાં આપણી ભાષા, આપણી વાણી, આપણા શબ્દો ઘણું કામ કરે છે. શબ્દની શક્તિ અપાર છે. શબ્દો માનવને મિત્ર મેળવી આપે છે, તો શબ્દો દુશ્મન પણ ઊભા કરી શકે છે. એક કટુ વેણ હૈયાને આરપાર વીંધી નાંખી શકે છે. કોઈ કવિએ સાવ સાચું કહ્યું છે,

‘માનવીના હૈયાને નંદવામાં વાર શી?

અધ બોલ્યા બોલડે, થોડા અબોલડે,

પોચાશાં હૈયાને પીંજવામાં વાર શી?’

આ કટુ વેણની ગાંઠ એવી તો મજબૂત રીતે હૈયામાં બંધાઈ જાય છે કે તે મરણ સુધી છૂટતી નથી. આપણી વાણી કેવી હોવી જોઈએ? તો કવિ શ્રી સુરેશ દલાલ ના અેક ગીતની પંક્તિઓ ટાંકીને શ્રી દોલતભાઈ કહે છે, ‘વાણી કાળી નહી, લાલ નહી, પીળી નહી. વાણી આપણી હોવી જોઈએ, સફેદ, સ્વચ્છ પીપળાના પાન જેવી, જેમાં પોઢ્યા હતા શ્રી ભગવાન.’

મધુર વાણી જ જીવનમાં સુંદર સ્નેહાળ સંબંધો સર્જી શકે, જીવન એટલે જ સંબંધોનો સરવાળો. અને પોતાની પાછલી અવસ્થા માં જ માનવ ને જ્ઞાન થાય છે કે જીવનના સુખના પાયામાં આવા સંબંધો જ રહેલા હોય છે.”

 

– હર્ષા મહેતા